




ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સામૂહિક યોગાભ્યાસ યોજાયો
લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના પ્રયત્નોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું
ભરૂચ 21 જૂન (હિ.સ.)
સમગ્ર વિશ્વની સાથે અંકલેશ્વરમાં પણ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા. 21 જૂન 2026 રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં યોગ સાધકો એકત્ર થઈ યોગાસનો કરી યોગ ભગાવે રોગના સૂત્રને સાર્થક કર્યું હતું. આ નિમિત્તે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ, અશોક ઓઝા યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ યોગ શિબિર અને સામૂહિક યોગાભ્યાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના પ્રયત્નોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
આ ભવ્ય યોગાભ્યાસ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના કો-ઓર્ડિનેટર કામીનાબેન રાજ, કે.આર. જોશી, પ્રકાશ રાવલ તેમજ બ્રહ્માકુમારી દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત નાગરિકોને યોગનું મહત્વ સમજાવી નિયમિત યોગ કરવા માટે પ્રેરણા આપી હતી.યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાના આ પ્રયત્નને વિશેષ પ્રોત્સાહન અપાયું હતું.
જીઆઇડીસીના સેન્ટરોમાંથી ભાઈ-બહેનો જોડાયા-
આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કાર્યરત તમામ યોગ બોર્ડના કેન્દ્રો ખાતેથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. તમામ સાધકોએ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ