



છાતી, ગળાની નજીક ગંભીર ઇજાઓ : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.)
પાવીજેતપુર તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા વસંતગઢ ડેમ સાઈડ ગામે વહેલી સવારે રીંછના હુમલાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘરની બહાર લઘુશંકા માટે નીકળેલા એક અધેડ ઉપર અચાનક રીંછે હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વસંતગઢ ડેમ સાઈડ વિસ્તારમાં રહેતા બળવંતસિંહ મથુરસિંહ રાઠવા (ઉ.વ. ૫૨) રવિવારે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બહાર લઘુશંકા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી એક રીંછ અચાનક બહાર આવી ગયું હતું અને બળવંતસિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
રીંછના હુમલામાં બળવંતસિંહને છાતીના ભાગે, ગળાની ઉપર જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન તેમની બૂમાબૂમ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોના અવાજ અને હલચલને કારણે રીંછ જંગલ તરફ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોડેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર તેમજ રેબીસ વેક્સિન માટે તેમને પાવીજેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વસંતગઢ તથા આસપાસના વિસ્તારો જંગલ વિસ્તારને અડીને આવેલા હોવાથી રીંછ સહિતના જંગલી પ્રાણીઓ અવારનવાર માનવ વસાહત નજીક આવી ચડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ જંગલી પ્રાણીઓ ગામમાં પ્રવેશતા અટકાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
વસંતગઢ ડેમ સાઈડ વિસ્તારમાં બનેલી રીંછના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો એકલા બહાર નીકળવામાં પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગને જંગલી પ્રાણીઓની હિલચાલ પર નજર રાખી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
પાવીજેતપુર પંથકના વસંતગઢ ડેમ સાઈડ વિસ્તારમાં વહેલી સવારે અધેડ ઉપર રીંછે હુમલો કર્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ