
ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) : જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સંચાલિત દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર (દિવ્યાંગ બાળકો માટે), ચોરવાડી હનુમાનજી મંદિર પાસે, બાયપાસ રોડ, કોડીનાર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ (Yoga for Healthy Ageing) ને કેન્દ્રસ્થાને રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દ્વારા દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન જાળવી શકે તેમજ લાંબા ગાળે તંદુરસ્ત અને સક્રિય જીવન જીવી શકે તેવો સંદેશ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કેન્દ્રના દિવ્યાંગ બાળકો, શિક્ષકો, સ્ટાફ સભ્યો તથા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગાભ્યાસ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓ કરાવવામાં આવી હતી, જેનાથી શરીરની લવચીકતા, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વધારો થાય છે.
યોગ અભ્યાસનું માર્ગદર્શન સંસ્થાના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. નિકુંજભાઈ ચુડાસમા તેમજ ડૉ. ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે દિવ્યાંગ બાળકોની ક્ષમતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરળ અને લાભદાયક યોગાસનો કરાવ્યા હતા. સાથે જ નિયમિત યોગાભ્યાસના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે સંસ્થાના સંચાલક આરીફ ચાવડાએ યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જે વ્યક્તિને શારીરિક રીતે સશક્ત, માનસિક રીતે સ્થિર અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ ની આ વર્ષની થીમ માત્ર વડીલો માટે જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકો માટે પ્રેરણાદાયક છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા જીવનને વધુ તંદુરસ્ત, સક્રિય અને સુખમય બનાવી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન બાળકોમાં યોગ પ્રત્યે રસ અને જાગૃતિ વધે તેમજ તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે હેતુથી વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોએ ઉત્સાહ અને આનંદ સાથે યોગાસનોમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ શિક્ષકો, થેરાપિસ્ટ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ