


છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) : સમગ્ર વિશ્વમાં આજે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે રવિવારની રજા હોવા છતાં પણ શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉત્સાહપૂર્વક હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ડી.સી. કોલીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, યોગ ભગાવે રોગ એ ઉક્તિ અનુસાર જો આપણે રોજિંદા જીવનમાં નિયમિત યોગ કરીશું, તો આપણું સ્વાસ્થ્ય હંમેશાં તંદુરસ્ત અને નિરોગી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જો કોરોના જેવી કોઈ વૈશ્વિક મહામારી આવે, તો યોગ દ્વારા કેળવેલી પ્રતિકારક શક્તિ આપણને તેનાથી બચાવી શકે છે. તેમણે તમામ બાળકોને રોજિંદા જીવનમાં નિયમિત યોગ અપનાવવા પ્રેરિત કર્યા હતા.
આ ઉજવણી અંતર્ગત શાળાના પીટી શિક્ષક જીતુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના આસનો, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરાવવામાં આવ્યા હતા. તેમણે દરેક આસનનું મહત્વ અને તેનાથી શરીરને થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓએ દરરોજ યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ