
પાટણ, 21 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 21 જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે વિવિધ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ સંદેશ પણ પ્રસારિત થયો હતો.
મુખ્ય કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ યોગાસનો કર્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે યોગને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.
વિશ્વ હેરિટેજ સાઇટ રાણકીવાવ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો, શાળાઓ અને કોલેજોમાં યોગ કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત લોકોએ સૂર્ય નમસ્કાર, પદ્માસન અને પ્રાણાયામ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ