
ખૂંટી, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) ઝારખંડના ખૂંટી જિલ્લાના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇંદવનમાં રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએલએફઆઈ) અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પીએલએફઆઈનો એરિયા કમાન્ડર શ્રવણ દાસ ઘાયલ થયો હતો. પોલીસે આશરે છ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે.
એસપી ઋષભ ગર્ગે જણાવ્યું કે, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, તિલમી જંગલમાં પીએલએફઆઈના ઉગ્રવાદીઓ કોઈ મોટી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં એકઠા થયા છે. આ માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરતા જરિયાગઢ અને કર્રા પોલીસ સ્ટેશનની પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ દરોડા અભિયાન હાથ ધર્યું હતું. પોલીસની ટીમ જંગલમાં પહોંચતા જ ઉગ્રવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે પણ મોરચો સંભાળીને વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં કુખ્યાત કમાન્ડર શ્રવણ દાસને ગોળી વાગી હતી.
તેમણે જણાવ્યું કે, અથડામણના સ્થળેથી પોલીસે મોટી માત્રામાં હથિયારો અને સામગ્રી જપ્ત કરી છે. ચાર પિસ્તોલ, અનેક દેશી તમંચા અને 12 થી વધુ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ સંગઠન સાથે જોડાયેલા વાંધાજનક દસ્તાવેજો અને એક ડાયરી મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી ડાયરી તપાસનું મુખ્ય કેન્દ્ર છે. તેમાં વિસ્તારના અનેક કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર અને ભવિષ્યમાં આચરવામાં આવનારી ગુનાહિત ઘટનાઓની વિગતો નોંધાયેલી છે.
પોલીસને આશા છે કે, આ ડાયરી ઉગ્રવાદી સંગઠનના સમગ્ર નેટવર્કને ધ્વસ્ત કરવામાં મદદ કરશે. શ્રવણ દાસ તોરપા અને કર્રા વિસ્તારમાં આતંકનું બીજું નામ બની ગયો હતો. તેની સામે રેલવે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ગોળીબાર, આગજની અને ખંડણી વસૂલવાના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે લાંબા સમયથી પોલીસની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. ઘાયલ કમાન્ડર શ્રવણ દાસને, પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રિમ્સ, રાંચી ખાતે રિફર કરવામાં આવ્યો છે. એસપી ઋષભ ગર્ગે જણાવ્યું કે, હાલમાં જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી સંગઠનના અન્ય ફરાર સભ્યોને વહેલી તકે પકડી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / અનિલ મિશ્રા / વિકાસ કુમાર પાંડે / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ