




- અણખી, જાફરપુરા, વાવલી સહિતના ગામોના ખેડૂતોની વળતરની માંગ
ભરૂચ, 21 જૂન (હિ.સ.) : જંબુસર તાલુકાના અનેક ગામોના ખેડૂતો પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન વીજ લાઈનના કારણે અસરગ્રસ્ત બન્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનોમાં 750 કે.વી.ના હાઈટેન્શન ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી.
જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા, વાવલી તેમજ જંબુસર સહિતના અનેક ગામોના ખેડૂતોના ખેતરોમાંથી વટામણથી નવસારી તરફ જતી પાવરગ્રીડની વીજ લાઈન પસાર થઈ રહી છે. આ કામગીરી દરમિયાન ખેડૂતોની ખેતીની જમીનમાં મોટા પાયે ટાવરો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેતીને નુકસાન થતું હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ કંપની દ્વારા તેમની સંમતિ વિના અને યોગ્ય વળતર આપ્યા વગર ખેતરોમાં ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. ટાવરના કારણે જમીનનો ઉપયોગ, ખેતીની કામગીરી તેમજ ભવિષ્યમાં જમીનની કિંમત પર પણ અસર થવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે સરકાર અને પાવરગ્રીડ કંપની દ્વારા સ્થળ પર સર્વે કરી ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ ખેતીને થયેલા નુકસાનનું પણ વળતર ચૂકવવામાં આવે.
ખેડૂતોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ પોતાના ખેતરોમાં આવી રહેલી કોઈપણ પ્રકારની કામગીરીનો વિરોધ કરશે.
હવે જોવાનું રહેશે કે ખેડૂતોની રજૂઆતને લઈને વહીવટી તંત્ર અને પાવરગ્રીડ કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ