આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ, જૂનાગઢના વંથલીના ખેડૂત પુત્રની યોગના ક્ષેત્રમાં કમાલ !
જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) સોરઠ પ્રદેશના આશરે વીસેક વર્ષના યુવાને યોગના ક્ષેત્રમાં નવી કમાલ કરી છે, તેના પિતાએ દીકરો માત્ર પોલીસ કે આર્મીમાં જોડાઈ તેવા આશય સાથે ફિટનેસ માટે યોગા સહિતની નાના પાયે તાલીમ આપી હતી. પણ આ સફર અટકી નહીં, પરંતુ વિશ્વવિજેતા સુધી
જૂનાગઢના વંથલીના ખેડૂત પુત્રની યોગના ક્ષેત્રમાં કમાલ


જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) સોરઠ પ્રદેશના આશરે વીસેક વર્ષના યુવાને યોગના ક્ષેત્રમાં નવી કમાલ કરી છે, તેના પિતાએ દીકરો માત્ર પોલીસ કે આર્મીમાં જોડાઈ તેવા આશય સાથે ફિટનેસ માટે યોગા સહિતની નાના પાયે તાલીમ આપી હતી. પણ આ સફર અટકી નહીં, પરંતુ વિશ્વવિજેતા સુધી દોરી ગઈ હતી. વાત છે, જૂનાગઢથી નજીક આવેલા નાના એવા શહેર વંથલીના શાહનવાજ વાજાની.

દેશ અને દુનિયા ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાના એવા શહેરમાંથી નીકળીને શાહનવાજ યોગનો શહેનશાહ બન્યો છે. શાહનવાજે તાજેતરમાં અમદાવાદમાં આયોજિત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ- ૧માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વિશ્વની પ્રથમ આ યોગા ચેમ્પિયનશિપમાં આશરે ૭૮ જેટલા દેશોએ ભાગ લીધો હતો. તેમાં શાહનવાજે પોતાનું કૌવત બતાવ્યું હતું.

આ પહેલાં શાહનવાજ રાષ્ટ્રીય કક્ષાએ ૨૫થી વધુ ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે. કુલ ૭૦થી વધુ શાહનવાજે મેડલ મેળવ્યા છે. શાહનવાજે આ સફળતા માટે ખૂબ પરસેવો પાડ્યો છે. સાથે જ એટલો સંઘર્ષ પણ કર્યો છે. આજે પણ નિયમિત ૪ થી ૬ કલાક જેટલી યોગાની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

શાહનવાજ જણાવે છે કે, મારી સફળતા પાછળ મારા પિતા દાઉદભાઈનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે, તેમણે શરૂઆતમાં આર્મી કે પોલીસમાં જોડાવા માટે ફિઝિકલ ટ્રેનિંગ કરાવી હતી. તેમાં યોગા પણ સામેલ હતો. આ તાલીમ તેમણે નાનપણથી આપવાની શરૂઆત કરી હતી. તેના મૂળમાં જ મારી સફળતા રહેલી છે. ઉપરાંત નાની-નાની સફળતાએ મને મોટી જીત હાંસલ કરવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે.

આ તાલીમ દરમિયાન જ ખ્યાલ આવ્યો કે, મારી બોડી ખૂબ ફ્લેક્સિબલ છે. ખાસ જ્યારે વંથલી જી.એલ. સોલંકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન શિક્ષક વિપુલ સોલંકીએ મારી યોગમાં આવડત અનેક ક્ષમતાઓને પારખી હતી અને યોગના ક્ષેત્રમાં આગળ વધવા અને ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં ભાગ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

શાહનવાજ કહે છે કે, પહેલાં લોકો કહેતા હતા કે, યોગ સ્પોર્ટ્સ નથી કે તેમાં કોઈ ભવિષ્ય નથી પરંતુ તે જ લોકો આજે શાબાશી આપી રહ્યા છે ખાસ ભારત સરકાર અને સ્પોર્ટ્સ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ યોગને સ્પોર્ટ્સ તરીકે દરજ્જો આપવા માટે ખૂબ મહેનત કરી તેના પરિણામે અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ યોજાઈ.

વર્ષ-૨૦૩૦માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેળવવાનો લક્ષ્યાંક છે, આ સાથે વિશ્વ કક્ષાએ યોજાતી યોગ કોમ્પિટિશનમાં દેશ માટે ગોલ્ડ જીતવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

શાહનવાજ કહે છે કે, શરૂઆતમાં યોગ ક્ષેત્ર કોઈ સ્પર્ધા ન હતી પણ ખૂબ જ સ્પર્ધા વધી રહી છે. એટલે સતત મહેનત અને પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. સાથે એમ પણ ઉમેર્યું છે કે, યોગ કરવાથી એટલે કે તેની પ્રેક્ટિસ અનેરો આનંદ આપે છે. યોગ તમારા જીવનમાં નવું સંધાન કરી આપે છે. તેણે વિશ્વ યોગ દિવસના અવસરે સર્વેને યોગ દિવસની શુભેચ્છાઓ સાથે યોગ અપનાવવા માટે પણ અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande