
કચ્છ, 21 જૂન (હિ.સ.) : સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર છેતરપિંડી અને ચીટિંગ સંબંધિત ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા પાંચ આરોપીઓને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ સફળ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપીઓ સામે કાયદાનો શિકંજો વધુ કસાયો હોવાનું સામે આવ્યું છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એલસીબીની ટીમે વિવિધ વિસ્તારોમાં બાતમીદારો અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે સતત વોચ ગોઠવી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ આત્મારામ સર્કલ વિસ્તાર સુધી પહોંચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર-૨૦૨૪માં નોંધાયેલા ચીટિંગ અને આઈટી એક્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ ભુજના હંગામી આવાસ વિસ્તારમાં છુપાઈને રહેતા હતા.
આ માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભુજના હંગામી આવાસ વિસ્તારમાં આવેલી સરકારી શાળાની પાછળના જાહેર સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી પાંચેય શંકાસ્પદ ઇસમોને ઝડપી લઈ તેમની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેમની સામે સુરતમાં નોંધાયેલા ગુનામાં સંડોવણી સામે આવતા કાયદેસરની કાર્યવાહી મુજબ અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં ઓસ્માણ ઇશા સોઢા, રીયાઝ જાકબ સમા, અકબર ઇશા ફકીર (સોઢા), આલમશા ભાવનશા શેખ તથા અધિયન ઉર્ફે શિવમ જયવેન્દ્રસિંહ સેંગરનો સમાવેશ થાય છે. પાંચેય આરોપીઓને સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગ અને આઈટી એક્ટના ગુનામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજ વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી મળેલી કેટલીક શંકાસ્પદ મિલ્કતો પણ કબજે લીધી છે. આ મુદ્દામાલને કાયદાકીય જોગવાઈઓ મુજબ જપ્ત કરીને વધુ તપાસ માટે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ બાદ હવે સુરત પોલીસ તેમજ કચ્છ પોલીસ દ્વારા ગુનાના અન્ય પાસાઓ, સંભવિત સાગરિતો અને આર્થિક વ્યવહારોની દિશામાં વધુ તપાસ આગળ ધપાવવામાં આવશે.
આ સમગ્ર ઓપરેશનમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની સતર્કતા તથા ઝડપી કામગીરીના કારણે લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓ કાયદાની પકડમાં આવ્યા છે, જેને પોલીસ વિભાગની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar