

કચ્છ, 21 જૂન (હિ.સ.) : ભુજ શહેરના ત્રિમંદિર નજીક આવેલા મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક સાથે ગત રાત્રે બનેલી ઘટનાએ ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. ગ્રાહકના જણાવ્યા અનુસાર તેમણે સ્પષ્ટપણે વેજ ખાદ્ય પદાર્થનો ઓર્ડર આપ્યો હોવા છતાં તેમને નોનવેજ ખોરાક પીરસવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ ગ્રાહકે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને રેસ્ટોરન્ટના સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગ્રાહકે પોતાના ધાર્મિક અને વ્યક્તિગત ખોરાકના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વેજ મેનુમાંથી ઓર્ડર આપ્યો હતો. જોકે ખોરાક મળ્યા બાદ તપાસ કરતાં તેમાં નોનવેજ સામગ્રી હોવાનું ધ્યાનમાં આવતા તેઓ આશ્ચર્યચકિત બની ગયા હતા. ઘટનાને લઈને ગ્રાહકે તરત જ રેસ્ટોરન્ટના સ્ટાફ અને સંચાલકોનો સંપર્ક કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રાહકનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની યોગ્ય ઓળખ અને ઓર્ડરની ચોકસાઈ જાળવવી રેસ્ટોરન્ટની મૂળભૂત જવાબદારી છે. ખાસ કરીને વેજ અને નોનવેજ ખોરાક સંબંધિત બાબતોમાં બેદરકારી ગ્રાહકોની ધાર્મિક લાગણીઓ તેમજ વ્યક્તિગત માન્યતાઓને ઠેસ પહોંચાડી શકે છે. આ પ્રકારની ભૂલ માત્ર સેવા ખામી નહીં પરંતુ ગ્રાહકના વિશ્વાસ સાથેનો ગંભીર પ્રશ્ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગત રાત્રે બનેલી ઘટનાના પગલે રેસ્ટોરન્ટમાં થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. ગ્રાહકે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ બનાવ બાદ સ્થાનિક સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે કે જાણીતી ફૂડ ચેઇન દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવામાં વધુ સતર્કતા અને ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રાહકોમાં પણ ખાદ્ય પદાર્થોની યોગ્યતા અંગે સવાલો ઊભા થયા છે. ગ્રાહક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને રેસ્ટોરન્ટ તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar