



કચ્છ, 21 જૂન (હિ.સ.) : કચ્છના દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં મરીન ટાસ્ક ફોર્સ-જખૌ દ્વારા આજે શિક્ષણ પ્રોત્સાહન, માછીમારોમાં જાગૃતિ અને દરિયાઈ સુરક્ષાને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીએ સ્થાનિક લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો.
નલિયા સ્થિત કેશવ સરસ્વતી વિદ્યામંદિરમાં આજે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, જ્યાં બાળકોને કુમકુમ તિલક કરીને અને પુષ્પગુચ્છ તથા ભેટો અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણની ભૂમિકા અંગે માહિતગાર કરતાં તેમણે વધુમાં વધુ બાળકોને શાળામાં જોડવા અપીલ કરી હતી.
આ ઉપરાંત જખૌ બંદર વિસ્તારમાં માછીમારો માટે, વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિશરીઝ વિભાગ અને મરીન ટાસ્ક ફોર્સના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન દરિયાઈ સુરક્ષા, કાયદાકીય નિયમો, આંતરરાષ્ટ્રીય જળસીમાઓનું પાલન અને સમુદ્રમાં સલામતી જાળવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ માછીમારોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો.
જાગૃતિ કાર્યક્રમ બાદ મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા જખૌ બંદરથી આશરે પાંચ કિલોમીટર સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી અને દરિયાઈ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે સતર્ક નજર રાખવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સ-જખૌ દ્વારા એક જ દિવસે શિક્ષણ, જનજાગૃતિ અને સુરક્ષા જેવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતી કામગીરી હાથ ધરાતા સ્થાનિક લોકોમાં પ્રશંસાની લાગણી જોવા મળી હતી. સમાજ અને સુરક્ષાને સાથે રાખી કરવામાં આવેલા આવા પ્રયાસો વિસ્તારના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar