


કચ્છ, 21 જૂન (હિ.સ.) : ભુજ તાલુકાના સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિર મિરજાપર-1 અને મિરજાપર-2 ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં 21 જૂનના રોજ ઉજવાતા યોગ દિવસ નિમિત્તે આ વર્ષે જાહેર કરાયેલી “Yoga for Healthy Ageing” એટલે કે “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” થીમને કેન્દ્રસ્થાને રાખી વિવિધ યોગાસનો અને આરોગ્યલક્ષી માર્ગદર્શન કાર્યક્રમો યોજાયા હતા.
સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિકારી ડૉ. પ્રતિમાબેનના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો તેમજ મિરજાપર ગામ અને આસપાસના વિસ્તારોના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી, જેના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સમજાવવામાં આવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ માત્ર શરીરને તંદુરસ્ત રાખવામાં જ મદદરૂપ નથી બનતો, પરંતુ વધતી ઉંમરમાં થતી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓને દૂર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. યોગ દ્વારા તણાવમાં ઘટાડો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો, હૃદયના આરોગ્યમાં સુધારો તેમજ જીવનશૈલી સંબંધિત રોગો સામે રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા આયોજિત આ ઉજવણી માત્ર યોગ દિવસ પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણારૂપ બની હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને આરોગ્ય જાગૃતિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar