

કચ્છ, 21 જૂન (હિ.સ.) :પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે પોલીસ અને વહીવટી તંત્રે સંયુક્ત રીતે વ્યાપક અભિયાન ચલાવી કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સરકારી પડતર જમીન પર ઉભા કરવામાં આવેલા ધાર્મિક તેમજ વ્યાવસાયિક પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરીને સરકારની મિલકતોને દબાણમુક્ત કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 93 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં દબાણ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને વિવિધ પોલીસ મથકોની ટીમોએ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
મુંદરા, માંડવી, નારાયણ સરોવર, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી દરગાહો, મંદિરો, મસ્જિદો, પાકા ઓરડાઓ તેમજ અન્ય પ્રકારના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ સરકારી જમીન પર વિશાળ વિસ્તાર સુધી કબજો કરીને પાકા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળોના નામે સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
જખૌ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી સૌથી નોંધપાત્ર રહી હતી, જ્યાં હજારો ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આશીરાવાંઢ વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા અનેક પાકા ઓરડાઓ અને અન્ય માળખાઓ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંજતનપીરની દરગાહ સહિતના અનેક સ્થળોએ પણ દબાણો હટાવવામાં આવ્યા હતા. માનકુવા વિસ્તારમાં અલ રહીમ પીરની દરગાહ તેમજ ખોડિયાર માતાજીના મંદિર તરીકે ઓળખાતા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાવડા વિસ્તારમાં મસ્જિદના નામે થયેલા કબજાને પણ દૂર કરવામાં આવ્યો હતો.
વહીવટી તંત્ર અને પોલીસના જણાવ્યા મુજબ સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સહન કરવામાં આવશે નહીં. સરકારની મિલકતોને સુરક્ષિત રાખવા માટે આવનારા દિવસોમાં પણ આવા અભિયાનો સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
પશ્ચિમ કચ્છમાં હાથ ધરાયેલી આ મેગા કાર્યવાહીને કારણે સરકારી જમીનો પરના ગેરકાયદેસર કબજેદારોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે જાહેર મિલકતોને દબાણમુક્ત કરવાની સરકારની ઝુંબેશને વધુ વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar