અનીડા ગામમાં આઈસરમાંથી, દારૂનો ભંડાર ઝડપાયો : સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી, રૂ. 55.97 લાખનો મુદ્દામાલ જપ્ત
બોટાદ, 21 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા અનીડા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે સ્ટાફે અનીડા ગામ પાસે સાંજણાવદર તરફ જતા કાચા રસ્તા પર આવેલ એક વાડીમાં દ
ઇંગલિશ દારૂ


બોટાદ, 21 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા અનીડા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે સ્ટાફે અનીડા ગામ પાસે સાંજણાવદર તરફ જતા કાચા રસ્તા પર આવેલ એક વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપીઓ મળી આવ્યા નહોતા, પરંતુ ત્યાં ઉભેલી એક આઈસર ગાડી શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી.

તલાશી દરમિયાન આઈસરમાંથી મોટી માત્રામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને કુલ 12,768 બોટલ ઈંગ્લિશ દારૂ મળી આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 40,93,872 હોવાનું સામે આવ્યું છે. દારૂ ઉપરાંત આઈસર વાહન સહિત કુલ રૂ. 55,97,072નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલે, ઢસા પોલીસ સ્ટેશનમાં વિક્રમભાઈ રાઘવભાઈ ગોલેતર અને પ્રવિણભાઈ રામજીભાઈ રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના જથ્થાની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande