



પોરબંદર, 21 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી એ અનોખી પહેલ કરતાં પોતાના નિવાસસ્થાનથી સાયકલ દ્વારા યોગ કાર્યક્રમના સ્થળ ચોપાટી સુધીની સવારી કરી હતી. આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે યોગ માત્ર શરીર અને મનને સ્વસ્થ રાખવાનો માર્ગ નથી, પરંતુ સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાનો પણ સંદેશ આપે છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરેલી અપીલને સમર્થન આપતાં જણાવ્યું કે નાગરિકો શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરે તો ઇંધણની બચત સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે છે.
ચોપાટી ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા બાદ મેયરએ યોગાભ્યાસમાં ભાગ લીધો અને નાગરિકોને નિયમિત યોગ કરવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો. મેયરની આ સાયકલ સવારી દ્વારા “ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા”નો સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો અને પર્યાવરણ જાળવણી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya