
મહેસાણા, 21 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહેસાણા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ આધારિત આ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે માનસિક, આધ્યાત્મિક અને સામાજિક સુખાકારીનો માર્ગ છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા તેમજ માનવજાતના કલ્યાણ માટે યોગ મહત્વપૂર્ણ સાધન છે. તેમણે નાગરિકોને દરરોજ ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ મિનિટ યોગ અને પ્રાણાયામ માટે ફાળવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાનના કોલકાતા અને મુખ્યમંત્રીના માણસા ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના આયોજન હેઠળ ઉપસ્થિત લોકોએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરીને સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો, યોગ સાધકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR