
- નેત્રંગ ચાસવડ રસ્તા વચ્ચેથી બારડોલી પાર્સિંગના હાઈવા ટ્રકને 50 લાખના મુદ્દામાલ સીઝ કર્યો
- છેલ્લા 10 દિવસમાં વહીવટીતંત્રની કાર્યવાહથી ભૂમાફિયાઓમાં ફફડાટ
ભરૂચ, 21 જૂન (હિ.સ.) : સ્થાનિક તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન કરોડોની ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને આશરે 50 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી સ્થાનિક ભૂમાફિયાઓ તેમજ તેમના રાજકીય આકાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક વખતથી ભુમફીયાઓ બેફામ બનતા ગેરકાયદેસર માટી,રેતી,કંપચી વહનની પ્રવુતિ રાજકીયઆકાઓના આશીર્વાદથી બેફામ પણે ફૂલીફાલી છે. જેને અંકુશમાં લાવવા કલ્પેશ બી ગળિયા મામલતદાર, નેત્રંગ તેમજ તેમની ટીમ દ્રારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ કામગીરી દરમિયાન નેત્રંગ-ઝંખવાવ રસ્તા પર કેલ્વીકુવા અને ચાસવડ ગામ વચ્ચે એક હાઈવા ટ્રકને ઉભી રખાવી ચેકિંગ કરાતા ટ્રક નં GJ-19-Y -9205 માં રોયલ્ટી પાસથી વધુ ઓવરલોડ ખનીજ વહન કરતું ઝડપાયેલ છે, સંબંધિત વાહનને તાત્કાલિક સીઝ કરી ખનિજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અંદાજે 50 લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા સંબંધિત વાહનને ઘટનાસ્થળેથી તાત્કાલિક સીઝ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે 50 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ઝડપાયેલા વાહન અને સામગ્રી સામે ખનીજ કાયદા અને નિયમો અનુસાર આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં સીઝ કરાયેલ ટ્રકને મામલતદાર કચેરી, નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની કડક સુરક્ષા અને કસ્ટડી હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તાલુકા વહીવટીતંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન અને પરિવહન સામે સતત લેવાઈ રહેલા કડક પગલાંને કારણે ભૂમાફિયાઓ અને તેમને આશ્રય આપતા રાજકીય અગ્રણીઓમાં દોડધામ મચી ગઈ છે. આ મોટી કાર્યવાહીને પગલે મામલતદાર કચેરી ખાતે અરજદારો અને મામલાને થાળે પાડવા મથતા લોકોના આંટાફેરા નોંધપાત્ર રીતે વધી ગયા છે.
વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન સામે આ પ્રકારની કડક ડ્રાઇવ ચાલુ રહેશે અને કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ