
- સંઘના સુનીલ આંબેકર, આઈજીએનસીએના અધ્યક્ષ રામબહાદુર રાય, બિહારના મંત્રી પ્રમોદ કુમાર રહેશે ઉપસ્થિત
પટના, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) ઇતિહાસ સાક્ષી છે કે, ભારતની લોકતાંત્રિક ચેતના દરેક સંકટ કરતાં મોટી સાબિત થઈ છે. જે દેશે બ્રિટિશ શાસનની સાંકળો તોડી, તેણે જ લોકશાહી પર આવેલા સંકટ કટોકટીના અંધકારમય ગાળાનો પણ સામનો કર્યો. તે જ સંઘર્ષ, ચેતના અને લોકતાંત્રિક વારસાની યાદ અપાવવા માટે પટના ફરી એકવાર રાષ્ટ્રીય વિચારવિમર્શનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. દેશની પ્રથમ બહુભાષી સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચાર 24 જૂન (બુધવાર) ના રોજ બપોરે 1:30 વાગ્યે પટનાના મીઠાપુર ઇન્સ્ટિટ્યુશનલ એરિયા સ્થિત, ચંદ્રગુપ્ત પ્રબંધન સંસ્થાનમાં ઇમરજન્સીના 50 વર્ષ: બિહાર આંદોલન અને કટોકટી વિષય પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરશે.
સેમિનારના અને હિન્દુસ્થાન સમાચારના મુખ્ય સંયોજક ડૉ. રાજેશ તિવારીએ જણાવ્યું કે, સેમિનારના મુખ્ય વક્તા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (આઈજીએનસીએ) ના અધ્યક્ષ અને હિન્દુસ્થાન સમાચારના ગ્રુપ એડિટર, રામબહાદુર રાય હશે. મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની અધ્યક્ષતા હિન્દુસ્થાન સમાચાર ગ્રુપના અધ્યક્ષ અરવિંદ ભાલચંદ્ર માર્ડીકર કરશે. બિહારના કલા અને સંસ્કૃતિ તેમજ ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના મંત્રી ડૉ. પ્રમોદ કુમાર વિશિષ્ટ અતિથિ રહેશે. ચંદ્રગુપ્ત પ્રબંધન સંસ્થાન પટનાના મુખ્ય વહીવટી અધિકારી અને નિયામક ડૉ. કુમુદ કુમાર સ્વાગતાધ્યક્ષ રહેશે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે અને વરિષ્ઠ કટારલેખક તેમજ પૂર્વ એમએલસી ડૉ. હરેન્દ્ર પ્રતાપ વક્તા તરીકે કટોકટી, પ્રેસની સ્વતંત્રતા અને બિહાર આંદોલનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડશે.
ડૉ. રાજેશ તિવારીએ જણાવ્યું કે, આ સેમિનાર માત્ર કટોકટીના કાળા પ્રકરણની યાદ જ નહીં અપાવે, પરંતુ સ્વતંત્રતાના 'સ્વ' નો અહેસાસ કરાવવાની સાથે ભાવી પેઢીને લોકશાહીના રક્ષણના મહત્વથી પણ પરિચિત કરાવશે. 25 જૂન 1975ની રાત ભારતીય લોકશાહીના ઇતિહાસમાં હંમેશ માટે નોંધાઈ ગઈ, જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. કટોકટીને ભારતીય લોકશાહીની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવી હતી. પ્રેસ પર સેન્સરશીપ, વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ અને નાગરિક અધિકારો પરના પ્રતિબંધોએ લોકશાહીની મૂળ ભાવનાને પડકાર ફેંક્યો હતો.
આ વર્ષે કટોકટીની 50મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ચંદ્રગુપ્ત પ્રબંધન સંસ્થાનમાં આયોજિત થનારા સેમિનારમાં લોકશાહી, બિહાર આંદોલન, કટોકટી અને રાષ્ટ્રનિર્માણના વિવિધ પાસાઓ પર ચર્ચા થશે. જેમાં પત્રકારત્વ અને સામાજિક આંદોલનો સાથે જોડાયેલી અનેક વરિષ્ઠ હસ્તીઓ પોતાના વિચારો રજૂ કરશે.
ડૉ. રાજેશ તિવારીએ કહ્યું કે, પ્રાચીન પાટલિપુત્ર ભારતની રાજકીય, સાંસ્કૃતિક અને વૈચારિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. આ જ ધરતીએ ચંદ્રગુપ્ત મૌર્યનું રાષ્ટ્ર નિર્માણ જોયું, સમ્રાટ અશોકનું લોકકલ્યાણકારી શાસન જોયું અને વિશ્વને સુશાસનનો માર્ગ બતાવ્યો. આ જ ભૂમિ સ્વતંત્રતા આંદોલનની સાક્ષી બની અને ફરીથી લોકશાહીના રક્ષણ માટે ઊભી થયેલી જનશક્તિનું કેન્દ્ર પણ બની. વર્ષ 1974માં લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં, બિહારથી શરૂ થયેલું આંદોલન માત્ર રાજકીય પરિવર્તનનું અભિયાન નહોતું. તે રાષ્ટ્રજીવનમાં જાગૃત થયેલા 'સ્વ'નું પ્રગટીકરણ હતું. તેના એક વર્ષ પછી 25 જૂન 1975ની રાત્રે લાદવામાં આવેલી કટોકટીએ દેશને અહેસાસ કરાવ્યો કે, સ્વતંત્રતા માત્ર બ્રિટિશ શાસનમાંથી મુક્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિચાર-અભિવ્યક્તિ અને અસંમતિનું રક્ષણ પણ તેનો અભિન્ન હિસ્સો છે. આજની પેઢીએ ન તો બ્રિટિશ શાસન જોયું છે અને ન તો કટોકટીનો ગાળો. આવી સ્થિતિમાં ઇતિહાસના આ પ્રકરણોથી તેમને પરિચિત કરાવવા એ સમયની જરૂરિયાત છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ