



જંબુસરમાં મામલતદાર એન.એસ. વસાવાનો ખનીજ સપાટો રોયલ્ટી ચોરીમાં ફફડાટ
ભરૂચ 21 જૂન (હિ.સ.) :
જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિના રેતીના પરિવહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંબુસર મામલતદાર એન.એસ. વસાવા અને તેમની ટીમે કાર્યવાહી દરમિયાન રોયલ્ટી વિના રેતી ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ માટે લઈ જવાતી બે ટ્રકો ઝડપી પાડી અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રોયલ્ટી વિના રેતીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મામલતદાર એન.એસ. વસાવા અને તેમની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રેતી ભરેલી બે ટ્રકોને અટકાવી જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા વાહનચાલકો પાસે માન્ય રોયલ્ટી પાસ અથવા અન્ય જરૂરી પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે બંને વાહનો સહિતનો અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કરવામાં આવેલી આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોયલ્ટી વિના રેતીના વેચાણ અંગે અનેક ફરિયાદો ઉઠી રહી હતી, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જપ્ત કરાયેલા બંને વાહનોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કાવી પોલીસ સ્ટેશન અને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મામલતદાર એન.એસ. વસાવાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ સઘન અભિયાન ચાલુ રહેશે, જેથી સરકારની આવકને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ