

સુરત, 21 જૂન (હિ.સ.) : સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભવ્ય કાર્યક્રમમાં જૂની અને નવી પેઢી વચ્ચેનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. શહેરના પાંડેસરા અને વેસુ વિસ્તારમાંથી આવેલા દાદા–પૌત્ર તથા દાદા–પૌત્રીની જોડીઓએ એકસાથે યોગાસન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આજના મોબાઇલ અને ડિજિટલ યુગમાં બાળકો યોગ તરફ આકર્ષાઈ રહ્યા છે તે દૃશ્ય ઉપસ્થિત લોકો માટે પ્રેરણારૂપ બન્યું હતું.
પાંડેસરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય રામ યાદવ પોતાના 12 વર્ષીય પૌત્ર અર્જુન સાથે વિવિધ યોગાસનો કરતા નજરે પડ્યા હતા. અર્જુનનું કહેવું છે કે તે નિયમિત રીતે પ્રાણાયામ અને યોગાભ્યાસ કરે છે, જેના કારણે અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને રમતગમતમાં પણ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. દાદા સાથે યોગ કરવાથી તેને નવી ઊર્જા અને પ્રેરણા મળે છે.
રામ યાદવ છેલ્લા 20 વર્ષથી નિયમિત યોગ અને ધ્યાન સાથે જોડાયેલા છે. તેઓ દરરોજ 45 મિનિટથી એક કલાક સુધી યોગાભ્યાસ કરે છે. તેમના મતે યોગ માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે અને વધતી ઉંમરમાં પણ સક્રિય જીવન જીવવામાં મદદરૂપ બને છે.બીજી તરફ વેસુ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય રસિકભાઈ પટેલ પોતાની 6 વર્ષીય પૌત્રી તિલિકા સાથે યોગાભ્યાસ કરતા જોવા મળ્યા હતા. તિલિકાનો ઉત્સાહ અને એકાગ્રતા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. રસિકભાઈ રોજ પાંચ કિલોમીટર ચાલવા જાય છે અને નિયમિત વ્યાયામ કરે છે, જેના કારણે તેઓ આજે પણ સંપૂર્ણ સક્રિય જીવન જીવી રહ્યા છે.
યોગ દિવસના આ કાર્યક્રમમાં દાદા–પૌત્ર અને દાદા–પૌત્રીની જોડીઓએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે બાળકોને જો પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન અને સારા સંસ્કાર મળે તો તેઓ ટેક્નોલોજીના યુગમાં પણ સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી શકે છે. જૂની અને નવી પેઢી વચ્ચેનો આ સુવર્ણ તાલમેલ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ સમાન બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે