
પાટણ, 21 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાધનપુરની શેઠ કે.બી. હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાધનપુરના લવિંગજી ઠાકોર કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન, એસ.ટી.એમ. અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયા, પોલીસ સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ કર્યા હતા. યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વક્તાઓએ જણાવ્યું હતું કે નિયમિત યોગથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.
યોગ દિવસની ઉજવણીમાં તમામ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગાભ્યાસ કરીને સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું પણ જણાવાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ