શિહોર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી
ભાવનગર, 21 જૂન (હિ.સ.) : સ્વસ્થ જીવન માટે યોગ’ થીમ અંતર્ગત શિહોર ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નંદ ફાર્મ, નવાગામ (કનીવાવ) નેસડા રોડ, શિહોર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક
યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


ભાવનગર, 21 જૂન (હિ.સ.) : સ્વસ્થ જીવન માટે યોગ’ થીમ અંતર્ગત શિહોર ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નંદ ફાર્મ, નવાગામ (કનીવાવ) નેસડા રોડ, શિહોર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લામાં જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના રોજ ઉજવાતા આ દિવસની ઉજવણીને લઈને લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાઈ રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે વિશ્વના લાખો લોકો યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવી રહ્યા છે. યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એકસાથે જોડતી જીવનપદ્ધતિ છે. નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને માનસિક શાંતિ, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વિશાલભાઈ ડાભીએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને યોગના આરોગ્યલક્ષી લાભો અંગે માહિતગાર કર્યા અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા અનુરોધ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ યોગાભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ રહ્યો કે નિયમિત યોગ અપનાવીને વ્યક્તિ નિરોગી, સક્રિય અને સંતુલિત જીવન જીવી શકે છે. સમગ્ર કાર્યક્રમ યોગ પ્રત્યે જાગૃતિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande