
નવસારી, 21 જૂન (હિ.સ.): નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર યોગમય બની ગયો હતો.
કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, સ્મારકના કર્મચારીઓ, દાંડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ‘9 નેવલ યુનિટ ગુજરાત NCC’ના કેડેટ્સે સક્રિય ભાગ લીધો હતો. સ્થાનિક ગ્રામજનોની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો.
સ્મારકના વિશાળ પરિસરમાં આયોજિત યોગ સત્ર દરમિયાન 450થી વધુ લોકોએ એકસાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. સામૂહિક યોગાભ્યાસનું દૃશ્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
યોગ નિષ્ણાતો અને મહાનુભાવોએ યોગના શારીરિક તેમજ માનસિક લાભો અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવી શકાય છે. ગાંધીજીની કર્મભૂમિ દાંડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર નવસારી જિલ્લામાં સકારાત્મક અને સ્વાસ્થ્યપ્રેરક વાતાવરણ સર્જાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે