સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશ સાથે, ગરવા ગિરનારની નિશ્રામાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
જૂનાગઢ, તા. ૨૧ ( હિ.સ.) ''સ્વસ્થ જીવન માટે યોગ''ના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે, પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને
સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશ સાથે


જૂનાગઢ, તા. ૨૧ ( હિ.સ.) 'સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે, પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થી ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીઓ અને યોગ અભ્યાસુઓ જોડાયા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર સહિતના મહાનુભાવો સહભાગી બન્યાં હતા અને યોગ અભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યોગ કોઈ વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતનાને જગાડવાની એક પ્રક્રિયા છે. આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલી અને ખાનપાન બદલાયા છે, ત્યારે દેશના ઋષિમુનિઓએ આપેલો યોગ લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ રાખવા માટે યોગ અને ફિટ ઈન્ડિયાનું વિઝન આપ્યું છે. ખાસ કરીને જ્યારે દેશની યુવા શક્તિ સશક્ત બને છે, ત્યારે જ દેશ સશક્ત બને છે. આમ, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પગલે જ સમગ્ર દુનિયાએ યોગની શક્તિને સ્વીકારી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૭૭ જેટલા દેશોએ ભારતીય સંસ્કૃતિની યોગ પ્રણાલીને અપનાવીને તેને સ્વસ્થ જીવન માટે ઉપયોગી માની છે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, આપણી ઋષિ પરંપરાની દેન એવા યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે. મનની શક્તિને વધુ વિસ્તાર આપવા અને શરીરની તંદુરસ્તી માટે યોગ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશ અને દુનિયામાં યોગ પ્રસ્થાપિત થયો છે અને લોકોના જીવનને એક નવી દિશા મળી છે. તેમણે રોજિંદા જીવનમાં ૩૦ મિનિટનો સમય ફાળવીને યોગ અપનાવવા માટે સૌને અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે યોગને જન-જન સુધી પહોંચાડવાનું કામ કરતા યોગ કોચ અને ટ્રેનરનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડાગર, અગ્રણી યોગીભાઈ પઢીયાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્યશ્રી સહિતના મહાનુભાવો, વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande