




પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો, સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ તેમજ વિવિધ યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ, એટીવીટીના કામો, વિવેકાધીન જોગવાઈ, MPLADS હેઠળના કામો, બદલવા માટે સૂચવાયેલા તથા રદ કરવાના કામો તેમજ મંજૂરી માટે રજૂ થયેલા વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ સહિતના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીએ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિકાસકાર્યો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ સરકારની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
પ્રભારી મંત્રીએ જિલ્લાના તમામ તાલુકા અને વિસ્તારોમાં સર્વાંગી, સંતુલિત તથા સમાન વિકાસ સુનિશ્ચિત થાય તે માટે સુદ્રઢ આયોજન અને અસરકારક અમલીકરણ કરવા તેમજ પાછલા વર્ષોના બાકી રહેલા કામો પ્રાથમિકતા ધોરણે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
મંત્રીએ ચાલુ વર્ષે આયોજનમાં લેવાયેલા તમામ કામો સમયસર થાય તેમજ ગુણવતા જળવાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. અને તાલુકા સ્તરે દર ગુરુવારે તલાટી મંત્રીઓની બેઠકમાં ગ્રામ વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં માર્ગ અને મકાન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, કૃષિ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના વિકાસ માટે જરૂરી આયોજન, ભાવિ વિકાસકાર્યો અને પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વર્ષ 2026 -27 માટેના જિલ્લામાં રૂ.647.69લાખના 249 વિકાસ કામોનું આયોજન રજુ કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya