


પોરબંદર, 21 જૂન (હિ.સ.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે તેમના વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, શ્રમિક કલ્યાણ તથા ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રોજગાર વિભાગ હેઠળ ચલાવવામાં આવતાં નિવાસી તાલીમ કાર્યક્રમો, રોજગાર ભરતી મેળાઓ, ઉમેદવારોની નામ નોંધણી, કારકિર્દી માર્ગદર્શન શિબિરો, સેમિનાર અને વેબિનાર સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલી પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશિપ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગો વચ્ચે વધુ સુમેળ અને સંકલન સાથે રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે જિલ્લાના તમામ આઈટીઆઈ સંસ્થાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તાલીમ વ્યવસ્થાની માહિતી મેળવી જરૂરી સુધારા માટે માર્ગદર્શન આપ્યું હતું.
યુવાનોને સરકારની વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી વધુ અસરકારક રીતે પહોંચે તે માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી જનજાગૃતિ વધારવા તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કૌશલ્યલક્ષી ટ્રેડ શરૂ કરવા તેમજ તાલીમબદ્ધ યુવાનોને વધુમાં વધુ પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશિપની તકો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
મંત્રીએ શ્રમયોગીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામગીરી કરવા તથા કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિભાગીય કામગીરીમાં પારદર્શિતા, સમયબદ્ધતા અને નિયમોનુસાર કામગીરી કરવા પર પણ ભાર મૂક્યો હતો.જિલ્લાના તમામ પાત્ર શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડનો લાભ મળી રહે તે માટે વિશેષ નોંધણી કેમ્પો યોજવા તેમજ વ્યાપક જનજાગૃતિ દ્વારા તમામ સંબંધિત શ્રમિકોને આવરી લેવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ અમલમાં મૂકાતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), દીનદયાળ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), વીબીજીરામજી, એસએચજી ગ્રુપ તથા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સહિતની વિવિધ યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya