
જામનગર, 22 જૂન (હિ.સ.) રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિગમને સાકાર કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-22026 નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં પણ આ ઉજવણી અંતર્ગત 23 થી 25 દરમિયાન શાળા પ્રવેશોત્વ અને કન્યા કેળવણી મહોત્વની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા, શાળા છોડનાર બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોનું સ્વાગત કરશે.જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 26990 બાળકો પ્રવેશ મેળવશે. જેમાં આંગણવાડીમાં ૩૭૯૪, બાલવાટિકા-2 માં 7025 , ધોરણ-1 માં 8477 , ધોરણ-9 માં 5480 તેમજ ધોરણ-11 માં 2214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લાવાર વિગતો અનુસાર જામનગર તાલુકામાં 9852 , ધ્રોલમાં 297 , જોડિયામાં 1461 , કાલાવડમાં 4002 , લાલપુરમાં 4720 તથા જામજોધપુર તાલુકામાં 3982 બાળકો વિવિધ કક્ષાઓમાં પ્રવેશ મેળવશે.શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, કન્યા શિક્ષણ અંગે જાગૃતિ, વાલી સંપર્ક અભિયાન તથા શાળા છોડનાર બાળકોના પુનઃ પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોને શિક્ષણના મહાયજ્ઞમાં સહભાગી બની દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે જોડવા અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt