
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી આધાર એપને દેશભરના લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોન્ચ થયાના પાંચ મહિનાથી પણ ઓછા સમયમાં આ એપના ડાઉનલોડની સંખ્યા 31 મિલિયન (3.1 કરોડ)ને વટાવી ગઈ છે. આ ઝડપથી વધી રહેલી સંખ્યા લોકોમાં એપની ઉપયોગિતા અને તેના પ્રત્યે વધતા વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના જણાવ્યા મુજબ, 'ઈઝ ઑફ લિવિંગ' એટલે કે જીવનને વધુ સરળ બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી આ નવી એપ લોકોને તેમના સ્માર્ટફોન દ્વારા જ અનેક જરૂરી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આ એપ દ્વારા અત્યાર સુધીમાં આશરે 40 લાખ લોકોએ પોતાના મોબાઇલ નંબર અપડેટ કર્યા છે. જ્યારે લગભગ 8.5 લાખ (8,50,000) લોકોએ એપનો ઉપયોગ કરીને પોતાનું સરનામું અપડેટ કર્યું છે.
આ એપ આધાર નંબર ધારકોને તેમની ઓળખ દર્શાવવા, શેર કરવા અને સુરક્ષિત રીતે ચકાસણી કરાવવા માટે એક સરળ અને 'પ્રાઇવસી-ફર્સ્ટ' માધ્યમ પ્રદાન કરે છે. સુરક્ષા અને જનહિતને ધ્યાનમાં રાખીને તેમાં અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં બાયોમેટ્રિક લોક/અનલોક, ચહેરા દ્વારા ચકાસણી, ઓથેન્ટિકેશન હિસ્ટ્રી, ક્યૂઆર-કોડ આધારિત કોન્ટેક્ટ કાર્ડ અને ઑનલાઇન એપોઇન્ટમેન્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, આ એપ સામાન્ય જીવનના અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં અત્યંત મદદરૂપ સાબિત થઈ રહી છે. ઓફલાઇન વેરિફિકેશન સીકિંગ એન્ટિટી (ઓવીએસઈ)ના ક્યૂઆર કોડ સ્કેનિંગ દ્વારા હોટેલોમાં ચેક-ઇન કરવાનું સરળ બન્યું છે. ઉપરાંત હોસ્પિટલોમાં દાખલ થવું, મુલાકાતી વ્યવસ્થાપન, વિવિધ કાર્યક્રમોમાં પ્રવેશ તેમજ ગિગ વર્કર્સ અથવા સર્વિસ પાર્ટનર્સની ઓળખની ચકાસણી જેવા અનેક ઉપયોગોમાં પણ આ એપ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ નવી સત્તાવાર એપ એન્ડ્રોઇડ અને એપલ બંને પ્લેટફોર્મ પર નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ