

- 4 કરોડના ખર્ચે પુલનું નવીનીકરણ પૂર્ણ,- 3 એક્સેલ ગાડી તેમજ 25 ટન સુધીના વાહનોને અવરજવરની છૂટ, સ્થાનિકોમાં ખુશીનો માહોલ
છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે ભારજ નદી પર આવેલ વર્ષો જૂના પુલનું સમારકામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતાં પુલને જનતા અને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગત વર્ષે ભારે વરસાદના કારણે પુલને નુકસાન પહોંચતાં તેમાં ગાબડાં પડ્યા હતા અને સલામતીના કારણોસર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે 4 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલ રીપેરીંગ અને મજબૂતીકરણની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકો સહિત વાહનચાલકોને મોટી રાહત મળી છે.
ગત ચોમાસા દરમિયાન ભારજ નદીમાં આવેલા પૂરના કારણે પુલના કેટલાક ભાગોમાં નુકસાન થયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા ટેકનિકલ સર્વે કરાવી પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેસાણાના ચેતનભાઈની એજન્સી દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે પુલના પાયા અને પિલ્લરોનું જેકેટિંગ કરી તેને અગાઉ કરતાં વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. ઉપરાંત પુલના ઉપરના ભાગે જરૂરી સમારકામ, પેરાફીટ વોલનું પુનઃનિર્માણ તેમજ કારપેટિંગ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સમારકામ પૂર્ણ થયા બાદ પુલની ક્ષમતાનો સંપૂર્ણ પરીક્ષણ રિપોર્ટ આવે ત્યાં સુધી સ્થળ સ્થિતિ મુજબ હવે આ પુલ પરથી ત્રણ એક્સલવાળા વાહનો તેમજ અંદાજે 25 ટન સુધીનું વજન ધરાવતા વાહનો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. જેના કારણે માલવાહક વાહનો, ખેડૂતો અને વેપારીઓને વિશેષ લાભ મળશે.
ડુંગરવાંટનો આ પુલ પાવીજેતપુર વિસ્તાર માટે અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ વરસાદ થતાં સિહોદ પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જાય છે. ઉપરાંત હાલ જે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ છે તે પણ ખસતા સ્થિતિમાં હોવાથી વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ડુંગરવાંટનો પુલ પુનઃ કાર્યરત થતાં સમગ્ર વિસ્તારના લોકોને મોટી રાહત અને હાશકારો મળ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પુલ શરૂ થતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને રોજિંદી અવરજવર કરતા હજારો લોકોને સુરક્ષિત અને સરળ માર્ગ ઉપલબ્ધ થયો છે, જે ચોમાસાના દિવસોમાં આશીર્વાદરૂપ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ