બોટાદ રેલવે આરપીએફની સરાહનીય કામગીરી : ઓપરેશન “અમાનત” હેઠળ ₹50 હજાર ભરેલી બેગ યાત્રીને પરત અપાઈ
બોટાદ, 22 જૂન (હિ.સ.) બોટાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી સામે આવી છે. ઓપરેશન “અમાનત” અંતર્ગત આરપીએફના જવાનોએ એક યાત્રીની કિંમતી બેગ શોધી તેને સુરક્ષિત રીતે પરત સોંપી ઈમાનદારી અને ફરજનિષ્ઠાનું ઉત્ત
રોકડ રકમ તેમજ સામાન પરત કરવામાં આવ્યો


બોટાદ, 22 જૂન (હિ.સ.) બોટાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી સામે આવી છે. ઓપરેશન “અમાનત” અંતર્ગત આરપીએફના જવાનોએ એક યાત્રીની કિંમતી બેગ શોધી તેને સુરક્ષિત રીતે પરત સોંપી ઈમાનદારી અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4/5 પર ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ ચૌધરીને એક કાળા રંગની બિનવારસી બેગ જોવા મળી હતી. તેમણે તાત્કાલિક પોતાની સૂઝબૂઝનો પરિચય આપતા ડ્યુટી ઓફિસરને જાણ કરી અને બેગને આરપીએફ કચેરીમાં લઈ જઈ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બેગમાંથી રોકડા ₹50,000, નવા તથા જૂના કપડાં સહિતની સામગ્રી મળી આવી હતી. ત્યારબાદ બેગને સુરક્ષિત રીતે આરપીએફ કચેરીમાં રાખવામાં આવી હતી. તે દરમિયાન ગાંધીગ્રામ રેલવે સ્ટેશન તરફથી ફોન આવ્યો હતો કે નીતિન ઈશ્વરભાઈ ગઢડા, તેમની બેગ ગુમ થઈ હોવાની જાણ કરી છે.

આરપીએફના જવાનોએ આપવામાં આવેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરી યાત્રીની ઓળખની ખાતરી કરી હતી. પૂછપરછ દરમિયાન નીતિનભાઈએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીગ્રામથી બોટાદ સુધી ટ્રેનમાં મુસાફરી કરીને ગઢડા પહોંચ્યા બાદ તેમની કાળી બેગ ગુમ થયાની જાણ થઈ હતી. બેગમાં ₹50,000 રોકડા તેમજ કપડાં હોવાનું તેમણે જણાવ્યું હતું.

તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ નીતિનભાઈને બોટાદ રેલવે સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. આરપીએફ ઓફિસમાં હાજર રહી તેમણે પોતાની બેગની ઓળખ કરી હતી. ત્યારબાદ એએસઆઈ લક્ષ્મણસિંહની હાજરીમાં હેડ કોન્સ્ટેબલ સુનિલ ચૌધરીએ યાત્રીને તેમની બેગ અને રોકડ રકમ સુરક્ષિત રીતે પરત સોંપી હતી.

આ ઉમદા કામગીરી બદલ નીતિનભાઈએ આરપીએફ બોટાદ અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરી તેમની પ્રશંસા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande