

- ઇટીપી પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ વગર ઝેરી પાણી છોડાતા ભૂખી ખાડીમાં હજારો માછલીઓના સામૂહિક મોત
ભરૂચ, 22 જૂન (હિ.સ.) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના કારણે કુદરતી જળસ્ત્રોતો હવે જોખમી બની રહ્યા છે. વિસ્તારમાં સક્રિય કેમિકલ માફિયાઓ દ્વારા ઇટીપીમાં પાણીને શુદ્ધ કર્યા વિના જ સીધું કેમિકલયુક્ત ઝેરી પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવતા સ્થાનિક ભૂખી ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓના સામૂહિક મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
પશુ-પંખીઓ માટે અમૃત સમાન ખાડી હવે ઝેર બની ગઈ છે.
આ પ્રદૂષણ માત્ર પર્યાવરણ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે માનવજાત માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે. ખાડીમાં કેમિકલના કારણે મરી જતી અથવા અર્ધમૂઈ થતી ઝેરી માછલીઓને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ આ ઝેરી માછલીઓને સ્થાનિક લોકો ખાવા અથવા માર્કેટમાં લાવીને વેચી દેવામાં આવે છે. કેમિકલયુક્ત આ માછલીઓ આરોગવાને કારણે લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે, જે સમગ્ર માનવજાત ઉપર બહુ મોટું નુકસાન અને મોટો ખતરો છે.
કંપનીઓની આ મનમાની અને કેમિકલ માફિયાઓની ગુનાહિત પ્રવૃત્તિ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે પ્રદૂષિત પાણી છોડતી કંપનીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખાડીને બચાવવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
વિલાયતની ભૂખી ખાડીમાં માછલાઓના મોત અંગે મીડિયાએ ઘટના સ્થળનું લોકેશન મોકલી વિડીયો તપાસ માટે મોકલ્યા છે.વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીએ જ પાણી છોડ્યું હોવાના આક્ષેપ સાથે ભૂખી ખાડીનું પાણી પશુઓ માટે પણ જોખમી બની રહ્યું છે.
સ્થાનિક રહીશ ભુપેન્દ્ર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારથી આ વિસ્તારમાં કંપનીઓ આવી છે, ત્યારથી ભૂખી ખાડીનું પાણી સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ગયું છે. એક સમય હતો જ્યારે સ્થાનિક લોકો, મૂંગા ઢોર-ઢાંખર અને આકાશમાં ઉડતા પંખીઓ આ ખાડીમાંથી પાણી પીતા હતા. આજે આ પાણી પીવા લાયક તો દૂર, અડકવા લાયક પણ રહ્યું નથી. કંપનીઓ દ્વારા અવારનવાર છોડાતા ઝેરી કેમિકલના કારણે હજારોની સંખ્યામાં માછલીઓ તડપી-તડપીને મરી જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ