જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો
સુરત, 22 જૂન (હિ.સ.) નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ
Surat


સુરત, 22 જૂન (હિ.સ.) નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મે મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકા કક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા 14 જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ 11 પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કર્યું હતું.

સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ દબાણ, સિંચાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, પ્રોપર્ટી કાર્ડ, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન, RTE હેઠળ એડમિશન તેમજ NOC ન આપવા બાબત સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું.

સ્વાગત કાર્યક્રમ એ પ્રજાના અવાજને સાંભળવાનું અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનું સશક્ત માધ્યમ છે. સરકારી નિર્ણયોનું ચુસ્ત પાલન થાય અને અરજદારોને ન્યાય મળે તે તમામ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે એમ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણા, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, મનપા, જિ.પુરવઠા વિભાગ, સિટી સર્વે, શિક્ષણ વિભાગ અને પોલીસ અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande