
સુરત, 22 જૂન (હિ.સ.) : સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે બ્રાન્ડેડ કંપનીના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરીને નકલી સાબુ બનાવતા અને વેચતા એક મોટા રેકેટનો ભંડાફોડ કર્યો છે. મહારાષ્ટ્ર સ્થિત કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડી રાજભાઈ ઘેવરીયાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી નકલી સાબુ, સ્ટીકરો, ખાલી પેકિંગ સામગ્રી અને સાબુ બનાવવાના સાધનો સહિત કુલ ₹6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સરથાણાના ત્રણ માળના મકાનમાંથી ‘mydoux’ નામે ઉત્પાદન બતાવી જાણીતી બ્રાન્ડના નામે નકલી સાબુ તૈયાર કરતો હતો. પોલીસે ત્યાંથી હજારો નકલી સાબુ, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો, ખાલી કવરો તેમજ સાબુ બનાવવાની ડાઈ અને પ્લેટો કબ્જે કરી છે. કંપનીના લોગો અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ફરિયાદી કંપની છેલ્લા છ મહિનાથી ડુપ્લિકેટ માલ વેચતી ટોળકીની શોધમાં હતી. કંપનીના પ્રતિનિધિઓએ અલગ-અલગ 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવી તપાસ કરી હતી, જેમાં તમામ ઓર્ડરમાં નકલી માલ મળ્યો હતો. વધુ તપાસમાં આ વેબસાઇટ્સનું સંચાલન સુરત સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું. સરથાણા પોલીસે કોપીરાઈટ કાયદા અને સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે