ભાવનગરમાં યુવાનના મોત બાદ વન વિભાગની કાર્યવાહી તેજ, વધુ એક નર સિંહ પકડાયો
ભાવનગર, 22 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના માહુવા તાલુકામાં સિંહના હુમલામાં યુવાનના મોતની ઘટનાને પગલે વન વિભાગે કાર્યવાહી વધુ સઘન બનાવી છે. ઘટનાના અનુસંધાને વધુ એક શંકાસ્પદ નર સિંહને પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ત્રણ સિંહોને કસ્
પાંજરે પુરાયેલો સિંહ


ભાવનગર, 22 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના માહુવા તાલુકામાં સિંહના હુમલામાં યુવાનના મોતની ઘટનાને પગલે વન વિભાગે કાર્યવાહી વધુ સઘન બનાવી છે. ઘટનાના અનુસંધાને વધુ એક શંકાસ્પદ નર સિંહને પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ત્રણ સિંહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાં એક માદા અને બે નર સિંહનો સમાવેશ થાય છે.

થોડા દિવસો અગાઉ માહુવા તાલુકાના ગઢડા ગામ નજીક 30 વર્ષીય નાગજી ગુજરીયા પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, નાગજીભાઈ બાઈક લઈને પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં તેમના શરીરના કેટલાક અવશેષો નજીકના વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ સર્જ્યું છે.

ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને જંગલ વિસ્તાર અને વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે અસરકારક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

વન વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અગાઉ એક માદા સિંહ અને એક નર સિંહને પકડ્યા બાદ હવે વધુ એક નર સિંહને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, માનવ મૃત્યુ જેવી ગંભીર ઘટનામાં જવાબદાર પ્રાણીની ચોક્કસ ઓળખ કરવી જરૂરી બને છે. તેથી શંકાસ્પદ સિંહોને પકડી તેમની વર્તણૂક, સ્વાસ્થ્ય અને અન્ય વૈજ્ઞાનિક પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલા માટે જવાબદાર સિંહ અંગે સ્પષ્ટતા થઈ શકશે. હાલ સમગ્ર વિસ્તારમાં વન વિભાગ દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande