પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી 1 લાખનું અનુદાન
બોટાદ, 22 જૂન (હિ.સ.) પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે જીવદયા અને સેવાભાવનો એક પ્રેરણાદાયી પ્રસંગ યોજાયો હતો. ગુરુકૃપા ફાઉન્ડેશન, અમદાવાદના ગૌરાંગભાઈ તેમજ તેમની એસ.આઈ.પી. ટીમના સભ્યોએ પાંજરાપોળ અને ગૌશાળાની મુલાકાત લઈને અબોલ પશુઓ પ
એક લાખ રૂપિયા નો અનુદાન


બોટાદ, 22 જૂન (હિ.સ.) પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે જીવદયા અને સેવાભાવનો એક પ્રેરણાદાયી પ્રસંગ યોજાયો હતો. ગુરુકૃપા ફાઉન્ડેશન, અમદાવાદના ગૌરાંગભાઈ તેમજ તેમની એસ.આઈ.પી. ટીમના સભ્યોએ પાંજરાપોળ અને ગૌશાળાની મુલાકાત લઈને અબોલ પશુઓ પ્રત્યેની કરુણા અને સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મુલાકાત દરમિયાન ટીમના સભ્યો દ્વારા ગૌશાળામાં રહેલા ગાય સહિતના અબોલ પશુઓને રોટલી અને ગોળનું નિરણ કરાવવામાં આવ્યું હતું. પશુસેવાના આ પવિત્ર કાર્ય બાદ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને જીવદયા કાર્યો માટે 1,00,000 (એક લાખ રૂપિયા)નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ અનુદાનથી ગૌશાળામાં રહેલા પશુઓની સંભાળ, ચારો અને અન્ય જરૂરી સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સહાય મળશે.

આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવના સેવકો તેમજ ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદના સભ્યોને સાધર્મિક ભક્તિનો લાભ પણ પ્રાપ્ત થયો હતો. આ સમગ્ર આયોજનમાં પ્રેરક પરિવારના ભારતી ગુણવંતભાઈ ગોપાણી પરિવાર દ્વારા સેવાભાવપૂર્વક સહભાગિતા નોંધાવવામાં આવી હતી.

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા સેવાભાવી ટીમે ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદના આ જીવદયામય અને માનવતાભર્યા કાર્યની હાર્દિક અનુમોદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં આવા સેવાકીય કાર્યો અબોલ પશુઓના કલ્યાણ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અને અન્ય લોકોને પણ જીવદયા માટે પ્રેરણા આપે છે.

અંતે સર્વે ઉપસ્થિતોએ જગતના તમામ જીવોના કલ્યાણની પ્રાર્થના કરી હતી. “સર્વે જીવ સુખી રહે, શુભ થાઓ, મંગલ થાઓ”ના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ સેવા અને સમર્પણનો પ્રસંગ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

-

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande