
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નાયબ સચિવ ઘાદિર નેઝામી સોમવારે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સુરક્ષા એજન્સીઓના વડાઓની બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા.
ભારતમાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી કે, ઘાદિર નેઝામી તેમની મુલાકાત દરમિયાન વિવિધ વિશેષ સત્રોમાં ભાગ લેશે અને સહભાગી દેશોના અધિકારીઓ સાથે મુલાકાત કરી સુરક્ષા મુદ્દાઓ તથા બહુપક્ષીય સહયોગ પર ચર્ચા-વિચારણા કરશે.
દૂતાવાસના જણાવ્યા અનુસાર, બેઠકમાં આતંકવાદ, સાયબર સુરક્ષા, ઊર્જા સુરક્ષા અને બહુપક્ષીય સહયોગ જેવા વિષયો પર ચર્ચા થશે. નેઝામી આ દરમિયાન સહભાગી દેશોના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરશે. બેઠકનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સુરક્ષા બાબતો પર સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અહીં નવી દિલ્હીમાં 22 અને 23 જૂને બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સુરક્ષા એજન્સીઓના વડાઓની 16મી બેઠક યોજાઈ રહી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાનારી આ બે દિવસીય બેઠકમાં સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આતંકવાદ અને અન્ય બિન-પરંપરાગત સુરક્ષા પડકારો પર વિગતવાર ચર્ચા થઈ શકે છે. આ બેઠક સપ્ટેમ્બર 2026માં યોજાનારી બ્રિક્સ સમિટનો એક ભાગ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના વિસ્તૃત બ્રિક્સ સભ્ય દેશો ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ