
જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સાંસ્કૃતિક વિકાસને નવી દિશા આપવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 35.21 કરોડના ખર્ચે અત્યાધુનિક મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ જામનગરના કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્ર માટે આગામી સમયમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ કોમ્પલેક્ષ ટી.પી. સ્કીમ નં.-5ના અંતિમ ખંડ નં.-18/બી ખાતે કુલ 1,89,838 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. તેમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું ભવ્ય ઓડિટોરિયમ બિલ્ડિંગ બનશે, જેનો બાંધકામ વિસ્તાર આશરે 70,000 ચોરસ ફૂટનો રહેશે.
આ અત્યાધુનિક સુવિધામાં 2,850 ચોરસ ફૂટના બે ઓડિટોરિયમ હોલ, 2,600 ચોરસ ફૂટનું વિશાળ સ્ટેજ અને 1,000 ચોરસ ફૂટનો ખાસ રિહર્સલ રૂમ ઉપલબ્ધ કરાશે. કલાકારો માટે 6 ગ્રીન રૂમ, વી.આઈ.પી. રૂમ અને આર્ટિસ્ટ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ટેકનિકલ સુવિધાઓમાં સમગ્ર ઓડિટોરિયમ સેન્ટ્રલ એર કન્ડિશનિંગ (AC), સાઉન્ડપ્રૂફ અને એકોસ્ટિક વ્યવસ્થા, ફોલ્સ સીલિંગ, આધુનિક બેઠક વ્યવસ્થા, ઓટોમેટિક કર્ટન (પડદા) અને પ્રોજેક્ટર રૂમથી સજ્જ હશે. વાહનવ્યવહાર અને પ્રવેશ માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, 6 સ્ટેરકેસ, 8 લિફ્ટ અને 9 મીટર પહોળો એક્સેસ રોડ બનાવાશે. કલા પ્રવૃત્તિઓ માટે 2,850 ચોરસ ફૂટની આર્ટ ગેલેરી અને તેટલા જ વિસ્તારનું આધુનિક કાફેટેરિયા પણ ઉપલબ્ધ થશે.
સાંસ્કૃતિક કોમ્પલેક્ષની સાથે-સાથે સામાજિક અને અન્ય પ્રસંગો માટે એક ભવ્ય પાર્ટી પ્લોટ પણ વિકસાવવામાં આવશે. તેમાં 47,613 ચોરસ ફૂટનો વિશાળ ઓપન પાર્ટી પ્લોટ વિસ્તાર, 1,700 ચોરસ ફૂટનો ઇન્ડોર હોલ સાથે 8 રૂમ, 1,650 ચોરસ ફૂટનું કિચન બિલ્ડિંગ, સ્ટોર રૂમ અને વોશ એરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 6,000 ચોરસ ફૂટનું અલાયદું પાર્કિંગ તેમજ લેડીઝ-જેન્ટ્સ માટે ટોઇલેટ બ્લોક પણ બનાવાશે.
જામનગર શહેરમાં હાલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એકમાત્ર ટાઉનહોલ જ ઉપલબ્ધ છે. શહેરની વધતી વસ્તી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વ્યાપને જોતાં, આ નવો પ્રોજેક્ટ શહેરની લાંબા સમયથી ચાલી આવતી જરૂરિયાતને પૂર્ણ કરશે અને અત્યંત ઉપયોગી સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt