
- ખેડૂતો માટે આશીર્વાદરૂપ સફેદ દાણાવાળી તુવેર-111 જાતનું ઉત્પાદન હેક્ટરે 2000 થી 2300 કિલોગ્રામ મળે છે : સુકારાના રોગ સામે પણ રક્ષણ
જુનાગઢ, 22 જૂન (હિ.સ.) : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તુવેરની નવી જાત ‘ગુજરાત તુવેર-૧૧૧ જાત (-૧૧૧) વિકસાવવામાં આવી છે. આ નવી જાત સુકારા અને વંધ્યત્વ જેવા મુખ્ય રોગો તેમજ પોપટા કોરી ખાનાર ઇયળો સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે અને હેક્ટરે ૨૦૦૦થી ૨૩૦૦ કિલોગ્રામ જેટલું મબલખ ઉત્પાદન આપતી આ તોરણીયા પ્રકારની જાત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ગુજરાતમાં તુવેર એ એક મહત્વનો ચોમાસુ કઠોળ પાક છે. જે ખેડૂતોને આર્થિક લાભ આપવાની સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. તુવેરના ઉત્પાદનમાં વધારો અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ તુવેરની જાત ગુજરાત તુવેર- ૧૧૧ (જીટી-૧૧૧) ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ જીટી-૧૧૧ તુવેર વર્ષ- ૨૦૨૪માં ગુજરાત રાજય માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત મધ્યમથી મોડી પાકતી (૧૬૫ થી ૧૮૦) તોરણીયા પ્રકારની જાત છે. રાફેદ દાણાવાળી આ જાતનું ઉત્પાદન ૨૦૦૦ થી ૨૩૦૦ કિ.ગ્રા. / હેકટર મળે છે. આ જાત સુકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. તેમજ આ જાતમાં પોપટા કોરી ખાનાર ઇયળથી ઓછુ નુકશાન જોવા મળે છે.
ગુજરાત તુવેર-૧૧૧ (જીટી-૧૧૧) વંધ્યત્વના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. વંધ્યત્વનો રોગ પાન કથીરીથી ફેલાતો હોવાથી કથીરીનાશક દવાઓનો છંટકાવ ક૨વાની ભલામણ છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ