



કચ્છ, 22 જૂન (હિ.સ.) : અંજાર પોલીસ દ્વારા પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત બનાવતી આજે એક નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુમ થયેલા મોબાઈલ ફોન અને ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા કિંમતી દાગીના તથા રોકડ રકમ સફળતાપૂર્વક શોધી કાઢીને આજે મૂળ માલિકોને પરત સોંપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે વધુ સારો સમન્વય જળવાઈ રહે તેમજ નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તેવા હેતુથી અંજાર પોલીસ સતત કામગીરી કરી રહી છે. આ અભિગમના ભાગરૂપે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં ગુમ થયેલા મોબાઈલ ફોનની અરજીઓ પર ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સી.ડી.આર. વિશ્લેષણ તેમજ સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી મોબાઈલ ફોનનું ટ્રેકિંગ શરૂ કર્યું હતું. સતત પ્રયત્નોના પરિણામે કુલ 20 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 4 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ પોલીસે રીકવર કરી હતી.
આમ કુલ રૂ. 4.35 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પરત મેળવવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર અંજાર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રીકવર કરાયેલ મોબાઈલ ફોન, ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા. પોતાની ગુમ થયેલી અથવા ચોરીમાં ગયેલી વસ્તુઓ પાછી મળતા અરજદારોના ચહેરા પર સંતોષ અને આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
અંજાર પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેક્નોલોજી અને સતર્ક તપાસના સંયોજનથી ગુમ થયેલી મિલકત શોધી કાઢવી શક્ય બની રહી છે. નાગરિકોના હિત માટે કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ વખાણવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar