


કચ્છ, 22 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીનોને દબાણમુક્ત બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી પડતર જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા અનેક બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
ખાવડા અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સરકારી જમીન પર ધાર્મિક, વ્યાવસાયિક તેમજ અન્ય પ્રકારના દબાણો ઉભા કરવામાં આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કુલ 3,468.40 ચોરસ મીટર વિસ્તારની સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 36.67 લાખ જેટલી થાય છે.
કાર્યવાહીમાં નવાવાસ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદ સહિત અનેક ચાની હોટલો, રેસ્ટોરન્ટ, પંચરની દુકાનો, મોબાઇલ શોપ, ફિશ સેન્ટર, શાકભાજીની લારીઓ, નાસ્તા સેન્ટરો, ઢાબા, પાણીપુરી સેન્ટર અને અન્ય કોમર્શિયલ એકમો દૂર કરવામાં આવ્યા હતા. આર.ઈ. પાર્ક ચોકી વિસ્તાર, કોટડા ચેક પોસ્ટ, ખાવડા ત્રણ રસ્તા, લુડીયા ત્રણ રસ્તા અને અન્ય સ્થળોએ સરકારી જમીન પર ઉભા કરાયેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સરકારની મિલકતને સુરક્ષિત રાખવા અને જાહેર હિતના હેતુસર આવા દબાણો દૂર કરવા માટે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર સંકલિત રીતે કાર્ય કરી રહ્યું છે.
આ સમગ્ર અભિયાન દરમિયાન ખાવડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક સ્તરે થયેલી આ મોટી કાર્યવાહીથી સરકારી જમીનોને મૂળ સ્વરૂપમાં પરત મેળવવામાં સફળતા મળી છે, જ્યારે ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટે પણ કડક સંદેશો ગયો છે કે સરકારી મિલકત પર કોઈપણ પ્રકારનું અનધિકૃત બાંધકામ હવે સહન કરવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar