માંડવીમાં શંકાસ્પદ ઓટો રિક્ષા સાથે ચાલક ઝડપાયો, નંબર પ્લેટમાં ગડબડ સામે આવતા એલસીબીએ હાથ ધરી તપાસ
કચ્છ, 22 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં વાહનચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત સઘન દેખરેખ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છ-ભુજે માંડવી વિસ્તારમાં કા
રિક્ષા સાથે પકડાયેલ ઈસમ


કચ્છ, 22 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં વાહનચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત સઘન દેખરેખ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છ-ભુજે માંડવી વિસ્તારમાં કાર્યવાહી કરી એક શંકાસ્પદ ઓટો રિક્ષા સાથે તેના ચાલકને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ આધુનિક સાધનો સાથે માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દાદાની ડેરી નજીક વોચ ગોઠવી હતી. માહિતી મુજબ સલાયા વિસ્તારનો એક વ્યક્તિ શંકાસ્પદ ઓટો રિક્ષા લઈને માંડવી તરફ આવી રહ્યો હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને મામદ ઉર્ફે શાહરૂખ સાલેમામદ ભોલીમ નામનો વ્યક્તિ ઓટો રિક્ષા સાથે મળી આવ્યો હતો. રિક્ષાની ચકાસણી કરતાં અનેક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. વાહનના આગળના ભાગમાં નંબર પ્લેટ નહોતી, જ્યારે પાછળ લગાવવામાં આવેલી નંબર પ્લેટ અંગે પોલીસને શંકા જતા મોબાઇલ એપ્લિકેશન મારફતે વિગતો ચકાસવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રિક્ષા પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ અને વાહનના ચેસિસ નંબર વચ્ચે મેળ બેસતો નહોતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વાહન પર અન્ય રિક્ષાની નંબર પ્લેટ લગાડવામાં આવી હોવાનું જણાય છે. વધુમાં વાહનના મૂળ દસ્તાવેજો અને માલિકી અંગે પૂછપરછ કરતાં ચાલક કોઈ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેના કારણે વાહનની ઓળખ છુપાવવા અથવા કોઈ ગુનાહિત હેતુસર રજીસ્ટ્રેશન વિગતોમાં ચેડાં કરવામાં આવ્યા હોવાની શંકા વધુ મજબૂત બની હતી.

આ સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષાને કાયદેસરની જોગવાઈઓ હેઠળ કબ્જે કરી લીધી છે અને સંબંધિત વ્યક્તિને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે રિક્ષાનું મૂળ માલિકી હક, તેની ખરીદી-વેચાણની વિગતો તેમજ નંબર પ્લેટમાં કરવામાં આવેલા ફેરફાર પાછળનો હેતુ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસના આ પગલાથી વાહનોની ઓળખમાં ગેરરીતિ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર તત્વો સામે કડક સંદેશો ગયો છે અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સતર્ક કામગીરી ફરી એકવાર ઉજાગર થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande