જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારક્લબ પર એલસીબી ત્રાટકી : 5 મહિલા સહિત 8 પકડાયા
જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્ક શેરી નંબર-2 માં સાંઈ કૃપા પ્રોવિઝનક સ્ટોરની બાજુમાં રહેતી સરોજ અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા નામની 48 વર્ષની વિપ્ર મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી પુરુષોને બોલાવી ગંજીપાના વડે જુગાર રમા
જુગાર


જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્ક શેરી નંબર-2 માં સાંઈ કૃપા પ્રોવિઝનક સ્ટોરની બાજુમાં રહેતી સરોજ અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા નામની 48 વર્ષની વિપ્ર મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી પુરુષોને બોલાવી ગંજીપાના વડે જુગાર રમાડીને જુગારનો અખાડો ચલાવી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે રવિવારે મોડી સાંજે એલસીબીની ટુકડીએ વોરંટના આધારે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સરોજબેન સહિત અન્ય પાંચ સ્ત્રી અને ત્રણ પુરુષો સહિતના આઠ પત્તાપ્રેમીઓ ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા.

પોલીસે બનાવના સ્થળેથી મકાન માલિક સરોજબેન અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા, ઉપરાંત ભરત કરમશીભાઈ ચોપડા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, આશાબેન કેસુભાઈ મોઢવાડિયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ સતીબેન હરીશભાઈ ચાવડા સહિત 8 સ્ત્રી-પુરુષોની અટકાયત કરી લીધી હતી.

પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 72,500 ની રોકડ રકમ, 8 નંગ મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ વગેરે સહિત ફૂલ 1,88,000 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, અને તમામ સામે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલનો ગુનો દાખલ કરાયો છે.

જુગારનો બીજો દરોડો જામજોધપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જામજોધપુરના આંબેડકર ચોકમાંથી જાહેરમાં ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ઈશાભાઈ ઓસમાણભાઈ રાવકડા, અસલમભાઈ અહમદભાઈ સમા, વગેરેની અટકાયત કરી લીધી છે, જ્યારે મોહમ્મદ મુસાભાઇ કટારીયા નામના એક શખ્સને ફરાર જાહેર કર્યો છે, અને 1,530 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande