જામનગર સંકલન સમિતિની બેઠકમાં સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા ધારાસભ્યની રજૂઆત
જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અધિકારીઓ માત્ર સરકારી યોજનાઓના ખાતમુહૂર્ત અને ફોટા પડાવવ
સંકલન સમિતિ


જામનગર, 22 જૂન (હિ.સ.) :

જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અધિકારીઓ માત્ર સરકારી યોજનાઓના ખાતમુહૂર્ત અને ફોટા પડાવવામાં વ્યસ્ત છે, જ્યારે જનતા વાસ્તવિક હાલાકી ભોગવી રહી છે. ધારાસભ્યએ છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભ પહોંચાડવા માટે વિવિધ સરકારી વિભાગો સમક્ષ રજૂઆતો કરી હતી.

ધારાસભ્યએ બેઠકમાં વર્ષ 2024માં DMF (ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન) અંતર્ગત મંજૂર થયેલા કામો બે વર્ષ પછી પણ શરૂ ન થવા બદલ તંત્રની નિષ્ફળતા ઉજાગર કરી હતી. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જામજોધપુર નગરપાલિકામાં 530 અરજીઓમાંથી માત્ર 308 આવાસ મંજૂર થયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો. બાકીના આવાસો ખાનગી કન્સલ્ટન્ટ એજન્સીની બેદરકારીને કારણે અટકેલા હોવાથી, ધારાસભ્ય હેમંત ખવાની સૂચના બાદ નગરપાલિકા દ્વારા એજન્સીને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

લાલપુરના મુરીલા ગામે નવી મંજૂર થયેલી સોસાયટીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે પણ ધારાસભ્યએ રજૂઆત કરી હતી. આ મામલે કલેક્ટરે તાત્કાલિક સ્થળ તપાસના આદેશ આપ્યા છે.

ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે PGVCL વિભાગ પાસેથી વિગતો માંગવામાં આવી હતી. વિભાગ દ્વારા જણાવાયું કે, બંને તાલુકામાં 111 કિલોમીટરના વીજ વાયરો બદલવા, 347 નવા વીજ પોલ ઊભા કરવા અને 43 ખેતીવાડી ફીડરોમાં મોટા પાયે વૃક્ષોનું ટ્રીમિંગ કરવાનું આયોજન છે.

ગ્રામીણ પ્રશ્નો અંગે, લાલપુરના વાવડી ગામે 1250 જેટલા પશુધન માટે ગૌચરની અછત હોવાથી સરકારી ખરાબાની જમીનમાંથી ગૌચર નીમ કરવા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, જામજોધપુર-લાલપુર વિસ્તારમાં નવા મંજૂર થયેલા ચેકડેમોના કામો પણ તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્યએ તાકીદ કરી હતી.

ધારાસભ્યની સક્રિયતાને કારણે કેટલાક મહત્વના પ્રશ્નોનો નિકાલ પણ આવ્યો છે. જામજોધપુર તાલુકાના 21 ખેડૂતોને કુલ રૂ. 33,50,570 ની રકમ રેવન્યુ રાહે વસૂલાત કરી ચૂકવવા કાર્યવાહી ચાલી રહી છે. નવી વેરાવળના ખેડૂત અર્જણભાઈ ડાંગરાના ખાતામાંથી છેતરપિંડીથી ઉપડી ગયેલા રૂ. 64,200પરત અપાવવા લીડ બેંક મેનેજરને આદેશ કરાયા છે. ટેકનિકલ ખામીને કારણે એક વર્ષથી અટકેલી જસાપર ગામના કાંતાબેન વિસાણીની વિધવા સહાયનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે.

અંતમાં, ધારાસભ્ય હેમંત ખવાએ અધિકારીઓને ટકોર કરી કે ગ્રામ સભાઓ માત્ર ફોટોગ્રાફી પૂરતી સીમિત ન રહેવી જોઈએ. ત્યાં રજૂ થતા પ્રશ્નોનું જિલ્લા પંચાયત દ્વારા યોગ્ય ફોલોઅપ લેવામાં આવે. આ રીતે, સંકલન સમિતિના માધ્યમથી તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જનતા પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande