સારોલી ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ઓડિશાથી ઝડપાયો, પૂર્વ રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો
સુરત, 22 જૂન (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન થયેલા જીવલેણ ફાયરિંગ કેસમાં ફરાર ચાલતા મુખ્ય આરોપી સુરેશ હરીરામ છાબાની સુરત ક્રાઈમ બ્રાંચે ઓડિશાના ભુવનેશ્વર શહેરમાંથી ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસ ટી
Arrest


સુરત, 22 જૂન (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન થયેલા જીવલેણ ફાયરિંગ કેસમાં ફરાર ચાલતા મુખ્ય આરોપી સુરેશ હરીરામ છાબાની સુરત ક્રાઈમ બ્રાંચે ઓડિશાના ભુવનેશ્વર શહેરમાંથી ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસ ટીમે શહીદ નગર વિસ્તારમાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો. ઘટનાના બાદથી સુરેશ સતત પોતાનું સ્થાન બદલતો હોવાથી પોલીસ માટે તેને શોધવો પડકારરૂપ બન્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે એક મહિલા મિત્ર સાથેની વાતચીતને લઈને વિવાદ થયો હતો. આ તકરાર બાદ સુરેશ છાબા અને તેના સાગરિતોએ ફરિયાદીને રસ્તામાં રોકી પહેલા લાકડાં અને ડંડાથી હુમલો કર્યો હતો. બાદમાં ગેરકાયદે દેશી તમંચાથી એક રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદનસીબે ફરિયાદીનો જીવ બચી ગયો હતો, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી.

ઝડપાયેલો સુરેશ છાબા અગાઉ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. વર્ષ 2020માં લાંબા સમય સુધી ગેરહાજર રહેવા અને ફરજમાં બેદરકારી બદલ તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. કેસમાં લાંબા સમયથી ફરાર રહેતા તેની સામે અદાલતે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું. હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચ આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેનો કબજો સારોલી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande