
મહેસાણ, 22 જૂન (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોટપ ચાર રસ્તા વિસ્તારના ગ્રામજનોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને ધ્યાનમાં રાખી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા શરૂ થતાં મોટપ, બોદલા, નુગર, હિંગળાજપુરા, લાલજીનગર, મગુના, રામનગર, દેલોલી અને દેવીનાપુરા સહિતના ગામોના લોકોને મહેસાણા શહેર સુધી આવવા-જવામાં મોટી સુવિધા મળી છે. અગાઉ આ ગામોના રહેવાસીઓને મહેસાણા સુધી પહોંચવા માટે ખાનગી વાહનો અથવા અન્ય પરિવહન સાધનો પર નિર્ભર રહેવું પડતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. હવે સિટી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ તેમજ અન્ય નાગરિકોને સરળ અને સસ્તું પરિવહન ઉપલબ્ધ બન્યું છે.
આ સુવિધા માટે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા મહેસાણા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે સિટી બસ સેવા શરૂ થતાં રોજિંદા મુસાફરી વધુ સુગમ બની છે અને ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સેવા ગામોના વિકાસ અને નાગરિકોની સુવિધામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ગ્રામજનોએ મહાનગરપાલિકાના આ લોકહિતના નિર્ણયને આવકારી ભવિષ્યમાં પણ આવી જ જનકલ્યાણકારી સેવાઓ ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR