
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મંગળવારે અહીં અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ (નાફેડ) ના ઓક્શન પોર્ટલ (એનએએફઈએક્સ.ઇન) નો શુભારંભ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નેફેડના અધ્યક્ષ જેઠાભાઈ આહીર અને મેનેજિંગ ડિરેક્ટર દીપક અગ્રવાલ તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, શાહ કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને સહકારી ક્ષેત્રને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી અનેક ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનો પણ શુભારંભ કરશે. આમાં ખેડૂતોના બાળકો માટે નેફેડ-કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાંના સ્ટોક મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત કરવા માટે ઈઆરપી પોર્ટલ અને ઓક્શન પોર્ટલ એનએએફઈએક્સ.ઇન નો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં એનએએફઈએક્સ.ઇન પોર્ટલ પર લાઈવ રજીસ્ટ્રેશનનું પ્રદર્શન કરવામાં આવશે અને હરાજી પ્રક્રિયાની શરૂઆત પણ થશે. નેફેડના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ કૃષિ ઉત્પાદનોની હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સંચાલનની સરળતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આના માધ્યમથી હરાજી સંબંધિત પ્રવૃત્તિઓનું ડિજિટલાઇઝેશન થશે અને ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને અન્ય હિતધારકોને એકીકૃત મંચ ઉપલબ્ધ થશે.
શાહ આ પ્રસંગે ખેડૂતોના બાળકોને નાફેડ-કલ્યાણ શિષ્યવૃત્તિના ચેક પણ વિતરણ કરશે. નેફેડનું કહેવું છે કે, આ પહેલ ખેડૂત કલ્યાણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
કાર્યક્રમ બાદ ગૃહ અને સહકારિતા મંત્રી નાફેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો સાથે બેઠક કરશે. બેઠકમાં સંસ્થાની પ્રવૃત્તિઓ, પ્રગતિ, અગાઉના નિર્દેશો પર લેવાયેલા પગલાં અને ભવિષ્યની કાર્યયોજના અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાફેડ દેશમાં કૃષિ માર્કેટિંગ, ખરીદી અને સહકાર આધારિત કૃષિ વ્યવસાયના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંસ્થાનું કહેવું છે કે, આ નવી ડિજિટલ અને કલ્યાણકારી પહેલો વડાપ્રધાન મોદીના 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝનને આગળ વધારવા અને સહકારી સંસ્થાઓને ટેકનોલોજી તેમજ પારદર્શિતાના માધ્યમથી મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ