
સુરત, 22 જૂન (હિ.સ.): સુરત શહેરમાં સ્પા અને હેર કેર સેન્ટરની આડમાં ચાલી રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ સામે સરથાણા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યોગીચોક નજીક આવેલા પેલેડિયમ મોલમાં આવેલી બે દુકાનો પર દરોડા પાડતાં દેહવ્યાપારનું સંગઠિત રેકેટ બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 8 મહિલાઓને મુક્ત કરાવી હતી તેમજ સ્પાના માલિક, મહિલા સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેલેડિયમ મોલમાં અચાનક રેડ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રાહકો સાથે સોદાબાજી કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેમને બીજા માળે આવેલી સ્પા દુકાનમાં મોકલવામાં આવતા હતા. દરોડા દરમિયાન અલગ-અલગ રૂમોની તપાસ કરતાં કેટલીક મહિલાઓ મળી આવી હતી, જ્યારે એક રૂમમાંથી ગ્રાહક અને મહિલા શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે સંચાલકો મહિલાઓને આર્થિક લાલચ આપીને અહીં બોલાવતા હતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલીને કમિશનના આધારે દેહવ્યાપાર ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹27,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે