


અમદાવાદ, 22 જૂન (હિ.સ.) ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ સંગીત દિવસ નિમિતે ભગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે આયોજિત પુષ્ટિમાર્ગીય રસોત્સવ ભક્તિ, સંગીત અને આધ્યાત્મિકતાના અદ્વિતીય માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો.
કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને શ્રીકૃષ્ણ વંદના સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત શ્રોતાઓએ પુષ્ટિમાર્ગની સંગીત પરંપરાનો અનોખો અનુભવ કર્યો હતો.
સુપ્રસિદ્ધ ગાયિકા ડૉ. શિવાની કિન્નરીવાલાએ પોતાની મધુર અને ભાવસભર રજૂઆત દ્વારા હવેલી સંગીત, કીર્તન અને વિવિધ પુષ્ટિમાર્ગીય રચનાઓ રજૂ કરી હતી. તેમની સંગીતમય પ્રસ્તુતિમાં દામોદર સ્તુતિ, મધુરાષ્ટકમ્ પુષ્ટિ માર્ગીય ધોળ, રસ ગરબા વગેરેથી શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. ઉપસ્થિત સૌએ સંગીત, ભક્તિ અને ભાવનાના આ દિવ્ય સંગમને હૃદયપૂર્વક માણ્યો હતો. તેમની સાથે તબલા પર પં. શિશિરચંદ્ર ભટ્ટ ઓક્ટોપેડ પર પ્રમોદ પાટિલ, કી બોર્ડ: રજનીકાંત પંચાલ, આસ્થા, પરિશ્રી, ઘીયા, દીક્ષા એ સંગત કરી હતી.
ઉદગમ પુષ્ટિમાર્ગીય રસોત્સવ પ્રસંગે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના ડો. મયુર જોષીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને ભક્તિ સંગીતના સંવર્ધન માટે આવા કાર્યક્રમો સમાજને પોતાના મૂળ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુરમાં ભક્તિ, ભક્તિમાં રસ અને રસમાં પરમાત્માનો અનુભવ ના સંદેશને કાર્યક્રમ દ્વારા જીવંત બનાવ્યો હતો.
કાર્યક્રમમાં સંત-મહાત્માઓ, અગ્રણી નાગરિકો, સંગીતરસિકો, વૈષ્ણવજનો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભક્તિમય સાંજને યાદગાર બનાવી હતી.
ભાગવત વિધાપીઠના ભાગવત ઋષિજીએ આશીર્વાદ આપતા સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે આવા કાર્યક્રમો વારંવાર કરવાની આજ્ઞા કરી હતી. અનંત કૃષ્ણા શાસ્ત્રીજીએ સૌનો સત્કાર કર્યો હતો. ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિત મહાનુભાવો, ભગવત વિદ્યાપીઠ પરિવાર, કલાકારો, સ્વયંસેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ