
ભાવનગર, 22 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સોમવારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક હળવાથી તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેર, શિહોર, તળાજા, મહુવા, સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆતમાં થયેલો વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાકોના વાવેતર માટે જમીનમાં પૂરતી ભેજ ઊભી થતાં ખેડૂતો ખેતી કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. વરસાદને કારણે પશુઓ માટેના ચારા તેમજ પાણીની સમસ્યામાં પણ રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદી માહોલને કારણે બજારોમાં પણ લોકોની અવરજવર વધી હતી અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ આનંદમય બન્યું હતું.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદથી કુદરત ખીલી ઊઠી છે અને ચોમાસાની ઋતુનો સારો પ્રારંભ થતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA