
સુરત, 22 જૂન (હિ.સ.) : છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા સુરતીઓને આખરે રાહત મળી છે. આજે સોમવારે વહેલી સવારથી જ શહેર અને આસપાસના વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયા બાદ ઉધના, પાંડેસરા, ભટાર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. દક્ષિણ અને મધ્ય ઝોનના ઉધના, પાંડેસરા, અઠવાગેટ અને ભટાર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. તાપી નદીની પાર આવેલા જહાંગીરપુરા, અડાજણ અને રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઉપરાંત વરાછા, કતારગામ, ડુમસ, નાનપુરા અને સચિન વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ મુજબ ઉમરપાડા – 1.77 ઇંચ, આરેઠ – 1.02 ઇંચ, સુરત શહેર – 0.59 ઇંચ, મહુવા – 0.47 ઇંચ, કામરેજ – 0.24 ઇંચ, ચોર્યાસી – 0.20 ઇંચ, પલસાણા – 0.20 ઇંચ, માંડવી – 0.04 ઇંચ, અંબિકા – 0.04 ઇંચ.
વરસાદના કારણે સવારના સમયે જનજીવન પર અસર જોવા મળી હતી. શહેરના અનેક નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ જતાં ઠેર-ઠેર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. નોકરી-ધંધે જતા લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક વરસેલા વરસાદના કારણે ઘણા લોકો પલળી ગયા હતા.
રાજ્યના હવામાન વિભાગે અગાઉથી જ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ભેજ અને અસહ્ય બફારાથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને હાલ પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે